ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર ઇનિંગ રમવા તૈયાર થયા છે. હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર, રાજ્યમાં વરસાદી ટ્રફ સક્રિય થવાને કારણે ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. આ સિસ્ટમની અસરથી આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં આ વરસાદી રાઉન્ડની સૌથી વધુ અને વ્યાપક અસર જોવા મળશે.
દક્ષિણ ગુજરાતમાં થશે વરસાદ
વાતાવરણના બદલાવને જોતાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં વરસી શકે છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આવશે વરસાદ
જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને રાજકોટમાં પણ મેઘમહેર યથાવત રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડવાની આશા બંધાઈ છે.
મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી
મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા સેવાઈ રહી છે.
પડધરી તાલુકામાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ
બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં જ મેઘરાજાએ રાજ્યના 112 તાલુકાઓને જળમગ્ન કરી દીધા છે. આંકડાકીય વિગતો મુજબ, સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના કામરેજમાં 2 ઈંચ, જ્યારે સરહદી વિસ્તાર એવા કચ્છના રાપરમાં પણ 2 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના માંગરોળ અને બારડોલી, ભાવનગરના વલ્લભીપુર તેમજ ધંધુકા પંથકમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના અન્ય 105 તાલુકાઓમાં પણ છૂટોછવાયો અને નોંધપાત્ર વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!