ઝાલોદમાં એક એવી ચોંકાવનારી છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકના ખેડૂતો અને વાહન ચાલકોને સ્તબ્ધ કરી દીધા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સરહદી વિસ્તારોમાં સોલાર પ્લાન્ટના સરકારી અને પ્રાઇવેટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેનો ફાયદો ઉઠાવીને એક શાતિર ઠગ ટોળકી ઝાલોદ પંથકમાં સક્રિય થઈ હતી. આ ટોળકીના સભ્યોએ પોતાને એક મોટી સોલાર કંપનીના પ્રતિનિધિ અને કોન્ટ્રાક્ટર તરીકે ઓળખાવી સ્થાનિક ખેડૂતોનો સંપર્ક સાધ્યો હતો.
13 ટ્રેક્ટર અને કિંમતી ગાડીઓ ઉપાડી ગયા
આરોપીઓએ ખેડૂતોને લાલચ આપી હતી કે તેમના સોલાર સાઇટના કામકાજ, માટીકામ અને મજૂરોના વહન માટે મોટા પાયે વાહનોની જરૂર છે. જો ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને અન્ય વાહનો કંપનીમાં ભાડે આપશે, તો તેમને બજાર ભાવ કરતાં ઘણું ઊંચું અને આકર્ષક માસિક ભાડું ચૂકવવામાં આવશે. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે કાગળ પર કરારો પણ કરવામાં આવ્યા હતા. આ માયાજાળમાં ફસાઈને ઝાલોદના અલગ-અલગ ગામના ખેડૂતોએ પોતાના કિંમતી એવા ૧૩ ટ્રેક્ટરો, 1 તુફાન ક્રૂઝર અને 1 બોલેરો પિકઅપ ગાડી મળી કુલ 15 વાહનો આ કથિત સોલાર કંપનીને સોંપી દીધા હતા.
