અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોના નામે વાહનચાલકોને પરેશાન કરવામાં આવતા હોવાની અને સ્થળ પર જ તોડ અંજામાતો હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે. પરંતુ આ વખતે વાહનચાલકોએ મૌખિક આક્ષેપ કરવાને બદલે સીધો પુરાવો જ જાહેર જનતા સમક્ષ મૂકી દીધો છે. એસ.જી. હાઈવે પર મકરબા ચાર રસ્તા નજીક ટ્રાફિક પોલીસે એક કારને વ્હીલ લોક મારી દીધું હતું. આ લોક ખોલાવવા માટે જ્યારે કારચાલક પોલીસકર્મી પાસે પહોંચ્યો, ત્યારે નિયમ મુજબ દંડ ફાડવાને બદલે સેટલમેન્ટની રમત શરૂ થઈ હતી.
સરકારી તિજોરીને નુકસાન, પોલીસના ખિસ્સા ભરાયા
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ અને સાંભળી શકાય છે કે ટ્રાફિક પોલીસકર્મી વાહનચાલકને ડરાવી રહ્યો છે કે જો સરકારી મેમો આપશે તો કાયદેસર રીતે 1000 ચૂકવવા પડશે અને કોર્ટ કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે. આ લાંબી પ્રક્રિયા અને મોટા દંડથી બચવાની લાલચ આપીને પોલીસકર્મીએ વચલો રસ્તો કાઢ્યો હતો અને માત્ર 300માં મામલો થાળે પાડવા ડીલ કરી હતી. વાહનચાલકે કોઈ પણ પ્રકારનો સત્તાવાર મેમો કે રસીદ લીધા વિના જ પોલીસને ₹૩૦૦ આપી દીધા હતા, જે સીધા સરકારી ખાતામાં જવાના બદલે પોલીસના ગજવામાં ગયા હતા.
