દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સવારના સમયે ગામના તળાવ કિનારે કપડાં ધોવા ગયેલી બે સગી બહેનોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ કરૂણ દુર્ઘટનાને પગલે સમગ્ર ઝાલોદ વિસ્તારમાં અને મૃતક બહેનોના પરિવારમાં શોકની ભારે કાલિમા છવાઈ ગઈ છે.

ઝાલોદમાં તળાવમાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત

મળતી વિગતો અનુસાર, 13 વર્ષીય નંદનીબેન અને રાધિકાબેન નામની બે સગી બહેનો સવારે તળાવ પર કપડાં ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન અચાનક એક બહેનનો પગ લપસી જતાં તે તળાવના ઊંડા પાણીમાં ખાબકી હતી, જેને બચાવવા જતાં બીજી બહેન પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોતજોતામાં બંને બહેનો તળાવના પાણીમાં ડૂબી ગઈ હતી.

ગામમાં શોકની કાલિમા છવાઈ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી ફાયર વિભાગની ટીમે ભારે જહમત બાદ બંને સગી બહેનોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે ઘટના અંગે કાયદેસરની નોંધ કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Gandhinagar: મહારાષ્ટ્ર અને કર્ણાટક બાદ ગુજરાતમાં અછત ગ્રસ્ત જાહેર કરવા સંદર્ભે ચર્ચા શરુ; CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક