ગુજરાત રાજ્ય કેબિનેટની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક આવતીકાલે સવારે 10:00 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ, ચોમાસા દરમિયાન થયેલા વરસાદની ઘટ અને તેનાથી ઊભી થયેલી સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે.

CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠક

કેબિનેટ બેઠકમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા પડોશી રાજ્યોની તર્જ પર ગુજરાતના ઓછા વરસાદવાળા જિલ્લાઓમાં અછત જાહેર કરવા સંદર્ભે ચર્ચા થવાની પ્રબળ શક્યતા છે. જે વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ નોંધાઈ છે ત્યાં પીવાના પાણીની ઉપલબ્ધતા અને પશુઓ માટે ઘાસચારાની સ્થિતિ અંગે સમીક્ષા કરી જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવશે. આ ઉપરાંત, તાજેતરમાં સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ક્ષમતાથી ભરાવા અંગેની વિગતો પણ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

વરસાદની સ્થિતિ પર પ્રાથમિક નજર

વરસાદની સ્થિતિ ઉપરાંત, બેઠકમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આગામી આયોજન અને તૈયારીઓ અંગે મંથન કરવામાં આવશે. આવતા અઠવાડિયે 'વારાણસી થી વડનગર' સાંસ્કૃતિક/વિરાસત યાત્રા ગુજરાત આવી રહી છે, તેના ભવ્ય સ્વાગત અને વહીવટી આયોજન અંગે મંત્રીમંડળને માહિતગાર કરવામાં આવશે. સાથે જ રાજ્યના વિવિધ વહીવટી અને નીતિ વિષયક મહત્વપૂર્ણ નિર્ણયો પર પણ આ બેઠકમાં આખરી મોહર વાગી શકે છે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ સાતમી વાર સંપૂર્ણ ભરાવા તરફ; CM ભૂપેન્દ્ર પટેલ કરશે નર્મદા નીરના વધામણાં