યાત્રાધામ ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં VIP દર્શનની વ્યવસ્થાને લઈને ઉભા થયેલા ભારે વિવાદ વચ્ચે જાણીતા કથાકાર મોરારીબાપુ આજે ડાકોરના ઠાકોરના શરણે પહોંચ્યા હતા. એક સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ડાકોર પધારેલા મોરારીબાપુએ તમામ વિવાદોથી દૂર રહીને કોઈ પણ વિશેષ સુવિધા વિના, મંદિરમાં કઠેરા બહારથી જ અત્યંત સાદગીપૂર્વક ભગવાન રણછોડરાયજીનાં દર્શન કર્યા હતા. VIP દર્શનના વિવાદ વચ્ચે મોરારીબાપુના આ સાદગીભર્યા દર્શનની ઘટનાએ સમગ્ર ડાકોર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.

રણછોડરાયજી મંદિરમાં VIP દર્શનની વ્યવસ્થાને લઈને વિવાદ 

સમગ્ર વિવાદની વિગતો મુજબ, મોરારીબાપુ માટે મંદિરમાં ખાસ VIP દર્શનની વ્યવસ્થા ઊભી કરવાની મંદિર તંત્રની કવાયત સામે સ્થાનિક સેવકો અને વૈષ્ણવોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને VIP દર્શન માટે મંદિરની પરંપરાગત કીર્તનિયા જાળીનો કઠેરો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવતા સેવકો અને વૈષ્ણવ સમાજ દ્વારા તેનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભક્તો અને સેવકોના આ ભારે વિરોધ બાદ મંદિર તંત્ર દ્વારા વિશેષ સગવડ ઊભી કરવાનું કામ તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવ્યું હતું.

વિવાદથી દૂર રહીને સામાન્ય ભક્તની જેમ ઠાકોરજીને શીશ ઝુકાવ્યું

મંદિર પરિસરમાં ચાલી રહેલા આ સમગ્ર વિવાદથી અલિપ્ત રહીને મોરારીબાપુએ અત્યંત સહજતા અને સાદગીનો પરિચય આપ્યો હતો. તેમણે કોઈ પણ પ્રકારની વિશેષ વ્યવસ્થાનો આગ્રહ રાખ્યા વિના કઠેરાની બહાર ઊભા રહીને જ ભગવાન રણછોડરાયજીનાં ભાવપૂર્વક દર્શન કર્યા હતા. VIP કલ્ચરના વિવાદ વચ્ચે મોરારીબાપુની આ સાદગીની ભક્તો અને નગરજનોમાં ભારે પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો: Jamnagar: એરફોર્સ સ્ટેશન ખાતે 17થી 19 નવેમ્બર દરમિયાન ત્રણ દિવસીય 'AJHE-26' સંયુક્ત કવાયત યોજાશે