જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગામી 17થી 19 નવેમ્બર દરમિયાન 'ધ એન્યુઅલ જોઈન્ટ હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ એક્સરસાઇઝ 2026' (AJHE-26) અંતર્ગત ભવ્ય ત્રણ દિવસીય સંયુક્ત કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કવાયતને લઈને હાલ જામનગરના આકાશમાં જોરદાર પ્રેક્ટિસનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
ત્રણેય પાંખો, કોસ્ટ ગાર્ડ, NDMA અને વિદેશી પ્રતિનિધિઓ જોડાશે
આ સંયુક્ત કવાયતમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના અને ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો ભાગ લેશે. આ ઉપરાંત રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) તેમજ મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના પ્રતિનિધિઓ પણ આ કવાયતમાં જોડાશે. વિવિધ સુરક્ષા દળો અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનાવવાના મુખ્ય હેતુથી આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
