ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ અને આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામ ડાકોરમાં દેવઉઠી અગિયારસના પાવન અવસરે ભક્તવત્સલ ભગવાન રણછોડરાયજી અને માતા તુલસીના શાહી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ઠાકોરજીના આ દિવ્ય લગ્નોત્સવને લઈને સમગ્ર ડાકોરધામમાં ઉત્સાહ અને ભક્તિમય માહોલ છવાઈ ગયો છે, જેમાં જોડાવા માટે દૂર-દૂરથી હજારો વૈષ્ણવ ભક્તો ઉમટી પડ્યા છે.
ભગવાનનું સુવર્ણ સ્વરૂપ નીકળ્યું ભવ્ય શાહી શોભાયાત્રા સાથે નગરચર્યાએ
તુલસી વિવાહના આ પવિત્ર મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રણછોડરાયજીનું સુવર્ણ સ્વરૂપ એક ભવ્ય અને આકર્ષક શાહી શોભાયાત્રા સાથે નગરચર્યાએ નીકળ્યું હતું. 'જય રણછોડ, માખણ ચોર' ના નાદ સાથે સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા અને ડીજે તથા પરંપરાગત વાજિંત્રોના તાલે ભક્તિમાં લીન નજરે પડ્યા હતા.
વેદોક્ત મંત્રોચ્ચાર અને ફૂલોની સજાવટથી મંદિર પરિસર બન્યું દિવ્ય
મંદિર પરિસરને દેશ-વિદેશથી મંગાવવામાં આવેલા રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી અદભુત રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરના ભવ્ય કુંજમંડપમાં શાસ્્રોક્ત અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ભગવાન રણછોડરાયજી અને માતા તુલસીની લગ્નવિધિ સંપન્ન થઈ હતી. લગ્નગીતોની રમઝટ અને ચારેય બાજુ ગુંજતા ભક્તિમય માહોલથી ડાકોરધામ અનોખી દિવ્યતા અનુભવી રહ્યું છે.
વર્ષો જૂની પરંપરા અને વૈષ્ણવોમાં ભારે અનોખો ઉત્સાહ
ડાકોરમાં વર્ષોથી ચાલી આવતી આ પૌરાણિક અને પરંપરાગત તુલસી વિવાહની પરંપરાને આજે પણ તેટલી જ શ્રદ્ધાથી જીવંત રાખવામાં આવે છે. ઠાકોરજીના લગ્નના આ ઉત્સવને નિહાળવા અને તેમાં સહભાગી થવા માટે આવેલા ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આખા વર્ષ દરમિયાન ઠાકોરજીના આ ઉત્સવની રાહ જોતા વૈષ્ણવોમાં અદભુત આનંદ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Botad News: ઝેરી ધુમાડા વચ્ચે ગુંગળાતું ભવિષ્ય! જવાહર નવોદય વિદ્યાલય ખાલીખમ!