બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની જુનાડીસા ગ્રામ પંચાયતમાં રૂ.18 લાખની રોયલ્ટી ગ્રાન્ટ મામલે વિવાદ સામે આવ્યો છે. ગ્રાન્ટની રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી હોવાની રજૂઆત બાદ પંચાયતના તત્કાલીન તલાટી અવિનાશ રાવ રેકર્ડ સાથે ગાયબ હોવાની ચર્ચા થઈ રહી છે. તેમની બદલી થઈ ગયા બાદ પણ જૂની પંચાયતનો રેકર્ડ નવા તલાટીને સોંપવામાં આવ્યો ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે.

નવા તલાટીને રેકર્ડ ન મળ્યો

મળતી માહિતી મુજબ, તલાટી અવિનાશ રાવની બદલી થયા બાદ જુનાડીસા ગ્રામ પંચાયતનો જરૂરી રેકર્ડ નવા તલાટી એસ.એ. મન્સુરીને સોંપવામાં આવ્યો નથી. વારંવાર રેકર્ડ ઉપલબ્ધ ન થતાં નવા તલાટીએ આ મામલે ડીસા તાલુકા પંચાયતમાં લેખિત રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળે છે.

રૂ.18 લાખની ગ્રાન્ટ મામલે સવાલો

એક તરફ રૂ.18 લાખની રોયલ્ટી ગ્રાન્ટ ઉપાડી લેવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તો બીજી તરફ આ ગ્રાન્ટ સંબંધિત રેકર્ડ નવા તલાટીને ન સોંપાતા સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. ગ્રાન્ટની રકમ ક્યારે અને કઈ રીતે ઉપાડવામાં આવી, તેની પ્રક્રિયામાં કોણ સામેલ હતું અને રેકર્ડ ક્યાં છે તેવા સવાલો ઊભા થયા છે.

રેકર્ડ ન મળતાં ગ્રામજનોનાં કામ અટવાયાં

રેકર્ડ ન સોંપાવાને કારણે પંચાયતનાં વહીવટી કામકાજમાં મુશ્કેલી ઊભી થઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે. ગેરરીતિ છુપાવવા માટે રેકર્ડ સોંપવામાં આવતો નથી તેવી લોકમુખે ચર્ચા છે, હવે ડીસા તાલુકા પંચાયતના અધિકારીઓ આ લેખિત રિપોર્ટના આધારે શું કાર્યવાહી કરે છે અને રૂ.18 લાખની ગ્રાન્ટ તથા ગુમ થયેલા રેકર્ડ અંગે શું હકીકત બહાર આવે છે તેના પર સૌની નજર છે. 


આ પણ વાંચો :    Jasdan: પાટીદાર આંદોલન અંગે દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ, “ સારા મુખ્યમંત્રીને સત્તામાંથી ઉતારવા પડ્યા "