જસદણમાં યોજાયેલા પાટીદાર સખી સ્નેહમિલન કાર્યક્રમમાં દિનેશ બાંભણિયાએ પાટીદાર આંદોલન અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને લઈને મોટું નિવેદન આપ્યું છે. જાહેર મંચ પરથી તેમણે આનંદીબેન પટેલની માફી માગી હતી. સાથે જ પાટીદાર આંદોલનના કારણે એક સારા મુખ્યમંત્રીને સત્તામાંથી દૂર થવું પડ્યું હોવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

પાટીદાર આંદોલન અંગે વ્યક્ત કર્યો અફસોસ

જસદણ પાટીદાર ભવન દ્વારા તાલુકા પાટીદાર સખી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિનેશભાઈ બાંભણિયાએ ઉપસ્થિત લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સારા મુખ્યમંત્રીને અમારા આંદોલનના થકી સત્તામાંથી ઉતારવા પડ્યા

તેમણે જણાવ્યું હતું કે, “એક સારા મુખ્યમંત્રીને અમારા આંદોલનના થકી સત્તામાંથી ઉતારવા પડ્યા હતા, એ વાતનું મને દુઃખ છે.” તેમના આ નિવેદનને પાટીદાર આંદોલનના સમયગાળાને લઈને વ્યક્ત કરવામાં આવેલા અફસોસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આનંદીબેન પટેલની માફી માંગવાની ઇચ્છા

કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલના રાજ્યપાલ આનંદીબેન પટેલનાં પુત્રી અનારબેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની હાજરીમાં જ દિનેશ બાંભણિયાએ આનંદીબેન પટેલને લઈને પોતાની વાત રજૂ કરી હતી.

મારે આનંદીબેન પટેલની માફી માંગવી છે

દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, “મારે આનંદીબેન પટેલની માફી માંગવી છે.” આ સાથે તેમણે અનારબેન પટેલને વિનંતી કરી હતી કે આનંદીબેન પટેલ સાથે વહેલી તકે તેમની મુલાકાત કરાવવામાં આવે.

જાહેર મંચ પરથી નિવેદન ચર્ચામાં

દિનેશ બાંભણિયાના આ નિવેદન બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી. પાટીદાર આંદોલનના ભૂતકાળ અને તે સમયે થયેલી રાજકીય ઘટનાઓને લઈને જાહેર મંચ પરથી વ્યક્ત કરાયેલા આ અફસોસની હવે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.  


આ પણ વાંચો :   Explainer : ડાકોર મંદિરમાં VIP કલ્ચર સામે વિરોધ, ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ, જાણો, મંદિરોમાં VIP દર્શનનું અલગ જ ગણિત