આગામી તહેવારોની મોસમને ધ્યાને રાખીને રાજ્યભરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતા દરોડા પાડીને ડેરી પ્રોડક્ટ્સના નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. ડીસા સ્થિત ‘બહુચર ડેરી પ્રોડક્ટ્સ’ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન ૪૪ કિલો શંકાસ્પદ ઘી અને ૩૦ લિટર મુદત વીતી ગયેલું (એક્સપાયરી ડેટ વાળું) અખાદ્ય ઘી ઝડપી લેવામાં આવ્યું છે.

બહુચર ડેરી પ્રોડક્ટ્સ પર ઓચિંતો દરોડો

ફૂડ સેફ્ટી વિભાગને મળેલી બાતમીના આધારે અધિકારીઓની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ડીસામાં આવેલી બહુચર ડેરી પ્રોડક્ટ્સ નામની પેઢી પર ફૂડ ઇન્સ્પેક્ટર સહિતની ટીમે અચાનક પહોંચીને તપાસ હાથ ધરી હતી.ડેરીમાં સંગ્રહિત દૂધ, માવો અને ઘી સહિતની વિવિધ બનાવટોની ગુણવત્તા અને તેના પેકિંગ-લેબલિંગની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન વ્યાપક પ્રમાણમાં નિયમોનું ઉલ્લંઘન અને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક ઘીનો સંગ્રહ કરાયેલો જોવા મળ્યો હતો.

44 કિલો શંકાસ્પદ ઘી સીઝ કરાયું, લેબ ટેસ્ટિંગ માટે મોકલાયું

તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ જ અસલ ન જણાય તેવા ઘી અંગે કાર્યવાહી કરવામાં આવી, ડેરીમાંથી આશરે 44 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની બનાવટ અને ગુણવત્તા શંકાના દાયરામાં હતી.ફૂડ સેફ્ટી ઓફિસરોએ નિયમાનુસાર આ શંકાસ્પદ ઘીના અલગ-અલગ નમૂના (સેમ્પલ) સીલ કર્યા હતા.ઘીમાં વનસ્પતિ તેલ કે અન્ય કોઈ કેમિકલની ભેળસેળ છે કે કેમ તે ચકાસવા માટે તમામ સેમ્પલ પૃથક્કરણ અર્થે સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

કવિરાજ બ્રાન્ડના 30 લિટર એક્સપાયર્ડ ઘીનો સ્થળ પર જ નાશ

ડેરી પરિસરમાંથી મુદત વીતી ચૂકેલા ઘીનું વેચાણ થતું હોવાની ગંભીર બાબત પણ સામે આવી હતી.સ્થળ પર તપાસ દરમિયાન 'કવિરાજ' બ્રાન્ડનું ૩૦ લિટર જેટલું ઘી મળી આવ્યું હતું, જેની એક્સપાયરી ડેટ (વાપરવાની અંતિમ મુદત) પૂર્ણ થઈ ચૂકી હતી.મુદત વીતી ગયેલું આ ઘી માનવ વપરાશ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી અધિકારીઓએ કોઈ પણ જાતની ઢીલ મૂક્યા વગર સમગ્ર 30 લિટર જથ્થાનો સ્થળ પર જ નિકાલ કરી કાયદેસર નાશ કરાવ્યો હતો.ફૂડ વિભાગ દ્વારા વેપારીને કડક નોટિસ ફટકારવામાં આવી છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ ફોજદારી તેમજ દંડાત્મક પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: Surat: સચિનમાં 21 વીઘા જમીનના બનાવટી દસ્તાવેજો બનાવી બહેનોનો હક્ક ડૂબાડ્યો; ઇકો સેલે 3 આરોપીઓને દબોચ્યા