ડીસા પંથકમાં સામાજિક અહમ અને કૌટુંબિક ઝઘડાના કારણે જાહેરમાં હિંસા થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, શેરપુરા ગામે રહેતા જાટ સમાજના બે પરિવારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સગાઈ તોડવા અથવા સંબંધ રાખવા બાબતે આંતરિક મતભેદો ચાલી રહ્યા હતા. આજે આ મુદ્દે સમાધાન અથવા અંતિમ નિર્ણય લેવા માટે બંને પક્ષો ભેગા થયા હતા, પરંતુ ચર્ચા દરમિયાન વાતાવરણ એકાએક ગરમ થઈ ગયું હતું અને બંને પક્ષના યુવકો તથા વડીલો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી શરૂ થઈ ગઈ હતી.
પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ, લાકડીઓ ઉછળી
સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને પક્ષના લોકો પોતપોતાના ઘરોમાંથી લાકડીઓ, ધોકા અને લાકડાના પાયા જેવા હથિયારો લઈને રસ્તા પર આવી ગયા હતા અને એકબીજા પર તૂટી પડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મિનિટો સુધી બંને જૂથો વચ્ચે સામસામે બેફામ લાકડીઓ ઉછળી હતી, જેના કારણે ગામની મુખ્ય શેરીમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો પોતાની દુકાનો-ઘરો બંધ કરીને અંદર ભરાઈ ગયા હતા. આ ધિંગાણામાં માથાના અને હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ થવાથી અનેક લોકો લોહીલુહાણ થઈ ગયા હતા.
