અમદાવાદના ગ્રામ્ય અને પૂર્વ ઝોનને જોડતા વિવેકાનંદનગર પોલીસ મથકની હદમાં લૂંટારુ ટોળકીઓ ફરી એકવાર બેફામ બની છે. વાંચ ગામમાં ગેસ એજન્સીના કર્મચારી પોતાની નિયમિત ફરજ પર હતા, ત્યારે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ચાર અસામાજિક તત્વોએ તેમને ઘેરી લીધા હતા. આ લૂંટારુઓએ કર્મચારી સાથે સામાન્ય બોલાચાલી કર્યા બાદ અચાનક તેમના પર ઘાતકી હુમલો કરી દીધો હતો. કર્મચારી કંઈ સમજે તે પહેલાં તેમના ગળામાંથી સાડા ત્રણ લાખ રૂપિયાની કિંમતી સોનાની ચેન આંચકીને ચારેય શખ્સો ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત કર્મચારી હોસ્પિટલમાં દાખલ
હુમલાના કારણે લોહીલુહાણ થયેલા ગેસ કર્મચારીને સ્થાનિક લોકો અને એજન્સીના અન્ય સભ્યોની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વિવેકાનંદનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને જોઈને તુરંત જ અલગ-અલગ ટીમો બનાવીને વાંચ ગામ અને તેની બહાર જવાના રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી દીધી હતી.
