ધોરાજી શહેરના જમનાવડ રોડ વિસ્તારમાં રહેતા રાવરાણી પરિવારમાં આજે સવારના સમયે જ એક ભારે કરુણાંતિકા સર્જાઈ હતી. ઘરમાં રહેતા જિતુભાઈ રાવરાણી અને તેમના ધર્મપત્ની મધુભાઈ જિતુભાઈ રાવરાણી નામના દંપતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં દંપતીને સારવાર મળે તે પહેલાં જ બંનેના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

ધોરાજીમાં રાવરાણી પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

એકસાથે પતિ-પત્નીના આત્મહત્યાના બનાવથી રાવરાણી પરિવાર અને સગાં-સંબંધિઓ પર આઘાતનો વજ્રાઘાત થયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકો પરિવારની વહારે દોડી આવ્યા હતા. કાકા જિતુભાઈ અને કાકી મધુભાઈના અચાનક નિધન બાદ સાંજના સમયે તેમની અંતિમયાત્રા (સ્મશાનયાત્રા) કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં મૃતક દંપતીનો ભત્રીજો દીપકભાઈ કિરીટભાઈ રાવરાણી (ઉંમર વર્ષ 41) વિધિ મુજબ કાકા-કાકીની અગ્નિદાહ માટેની દોણી હાથમાં લઈને સ્મશાનગૃહ સુધી પહોંચ્યો હતો.

સ્મશાનગૃહમાં જ કરુણ અંત

સ્વજનોને ગુમાવવાના ભારે આઘાત અને શોક વચ્ચે સ્મશાનગૃહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી તે જ સમયે ભત્રીજા દીપકભાઈ રાવરાણીને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને તેઓ સ્મશાનગૃહમાં જ ઢળી પડ્યા હતા. ઉપસ્થિત લોકો કંઈ સમજે કે તબીબી સારવાર મળે તે પહેલાં જ તેમને સીવિયર હાર્ટ એટેક આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેડું ઊડી ગયું હતું. સવારે કાકા-કાકી અને સાંજે ભત્રીજાના મોતથી ધોરાજીમાં રાવરાણી પરિવાર પર કાળનો એવો પંજો વાગ્યો છે કે આખી આસપાસની જનતાના કાળજાં કંપી ગયાં છે.

આ પણ વાંચો: Vadodara: તરસાલીમાં જન્મદિવસ જ બન્યો કાળ, સમાધાનના બહાને બોલાવી યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા