વડોદરાના દંતેશ્વર સ્થિત વુડાના આવાસ વિસ્તારમાં લોહીયાળ ડ્રામા સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દંતેશ્વર વુડા આવાસમાં રહેતા મેહુલ દરબાર નામના યુવકને વિસ્તારમાં જ રહેતા વિજય, પદમ અને તેના અન્ય સાથીદારો સાથે 3 દિવસ પૂર્વે કોઈ સામાન્ય બાબતે તકરાર અને બોલાચાલી થઈ હતી.

તરસાલીમાં બર્થડેના દિવસે જ યુવકની હત્યા

આ તકરારનું મનદુઃખ રાખીને આરોપીઓએ મનમાં અદાવત રાખી હતી. દરમિયાન આજે મેહુલ દરબારનો જન્મદિવસ હોવાથી ઘર અને મિત્રવર્તુળમાં આનંદનો માહોલ હતો. તેવામાં આરોપીઓએ મેહુલને અગાઉની તકરારનું સુખદ 'સમાધાન' કરી લેવાના બહાને વુડાના આવાસ પાસે બોલાવ્યો હતો.મેહુલ સમાધાન માટે પહોંચતા જ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે વિજય, પદમ અને તેની સાથેના યુવકોએ અચાનક ઉશ્કેરાઈને મેહુલ પર તીક્ષ્ણ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. યુવકને શરીરે ચપ્પુના પાંસળા વિંધાઈ જાય તેવા ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બનાવ બાદ તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

સમાધાનના બહાને બોલાવી ચપ્પુ માર્યું

ગંભીર રીતે ઘવાયેલા મેહુલ દરબારને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેની સ્થિતિ વધુ નાજુક બનતાં આખરે તેનું મોત નીપજ્યું હતું. જે દિવસે પરિવાર અને મિત્રો તેના જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા હતા, એ જ દિવસે મેહુલનું મોત થતાં પરિવારજનોના ક્રંદનથી એસએસજી હોસ્પિટલ કમ્પાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Business News: ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે, એમપીના સીએમએ આપ્યું રોકાણનું આમંત્રણ