સુરેન્દ્રનગર જિલ્લાના અતિ મહત્વપૂર્ણ ગણાતા ધ્રાંગધ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. સહકારી ક્ષેત્રે વર્ચસ્વ જમાવવા માટે ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત કે સ્થાનિક જૂથો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી.

ધ્રાંગધ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી

આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 21 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં નસીબ અજમાવી રહ્યા છે. સવારથી જ એપીએમસી પરિસરમાં આવેલા મતદાન કેન્દ્રો પર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર મતદાન પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે. વેપારી વિભાગમાં 100 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ખેડૂત વિભાગમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે 97 ટકા જેવું ભારે મતદાન નોંધાયું છે.

આવતીકાલે APMC ખાતે મતગણતરી

મતદાન પૂર્ણ થયા બાદ તમામ બેલેટ બોક્સને સખત સુરક્ષા વચ્ચે સીલ કરવામાં આવ્યા છે. આવતીકાલે સવારે ધ્રાંગધ્રા APMC ખાતે જ મતગણતરી હાથ ધરવામાં આવશે. બપોર સુધીમાં ધ્રાંગધ્રા એપીએમસી પર કોનો કબજો થશે અને ખેડૂતો તથા વેપારીઓ કોના શિરે વિજયનો તાજ પહેરાવશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

આ પણ વાંચો: Kheda: અઠવાડિયાના વિરામ બાદ નડિયાદ, કપડવંજ અને કઠલાલમાં ધીમીધારે વરસાદ શરૂ