ખેડા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લેતાં સમગ્ર જિલ્લામાં બફારો અને ગરમીનું પ્રમાણ વધી ગયું હતું. જોકે, આજે નડિયાદ શહેર તેમજ તાલુકાના કપડવંજ અને કઠલાલ પંથકમાં મેઘરાજાએ ફરી મહેરબાની કરી છે.

ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો

કઠલાલ અને કપડવંજ સહિતના વિસ્તારોમાં આકાશ વાદળોથી ઘેરાયા બાદ ધીમીધારે સતત વરસાદ વરસવાનો શરુ થયો છે, જેના કારણે રોડ-રસ્તાઓ ભીંજાયા છે અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. ઓગસ્ટ માસના આ તબક્કે પડેલો આ વરસાદ ખેતી માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહ્યો છે. અઠવાડિયાના વિરામ બાદ વરસેલા આ વળતા વરસાદને કારણે ખેતરોમાં ઉભેલા ચોમાસુ પાકને જરૂરી પાણી મળી રહેશે.

વરસાદથી ખેડૂતોમાં ખુશી અને રાહત

કઠલાલ અને કપડવંજ પંથકના ખેડૂતોના જણાવ્યા મુજબ, પાકને આ સમયે પાણીની સખત જરૂરિયાત હતી. મેઘરાજાએ યોગ્ય સમયે જ મહેર કરતાં પાક સુકાઈ જવાની ભીતિ ટળી છે અને પાકની ગુણવત્તા તથા ઉત્પાદનમાં મોટો ફાયદો થશે. વરસાદથી ખેડૂતોમાં ખુશી અને રાહતની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Chhota Udepur: કલેક્ટર ગાર્ગી જૈનની કારનો અકસ્માત, કલેક્ટર અને સિક્યુરિટીનો આબાદ બચાવ