સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા માટે નવીનીકરણ (રી-ડેવલપમેન્ટ) નું કામ પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન આજે રેલવે સ્ટેશનના ઉપરના માળે ચાલી રહેલા બાંધકામ દરમિયાન અચાનક જ નવી ચણેલી દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી.

દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરો નીચે પટકાયા

દીવાલ ધસી પડતાં ઉપર કામ કરી રહેલા બે શ્રમિકો સંતુલન ગુમાવી બેસતાં સીધા નીચે પટકાયા હતા. દીવાલના કાટમાળ નીચે દબાતાં અને ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે બંને મજૂરોને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે સ્ટેશન પરિસરમાં કામ કરતા અન્ય શ્રમિકો અને મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.ઘટના બનતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવીને બંને ઇજાગ્રસ્ત મજૂરોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

નબળા બાંધકામ સામે ઉઠ્યા સવાલો

આ ઘટના બાદ ધ્રાંગધ્રાના સ્થાનિકો અને અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે ધ્રાંગધ્રામાં નવજીવન મેળવી રહેલા રેલવે સ્ટેશનના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું સાહિત્ય વાપરીને મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. શ્રમિકોની સુરક્ષા માટેના કોઈ સાધનો (સેફ્ટી ગિયર્સ) પણ પૂરા પાડવામાં આવ્યા ન હતા. કોન્ટ્રાક્ટરની આ ઘોર બેદરકારી સામે રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરાય તેવી માગણી બુલંદ બની છે.

આ પણ વાંચો: Ahmedabad: સગીરા સંબંધ રાખવા માગતી ન હતી, પરિવાર ઘર બદલી ગયો છતાં આરોપીએ પીછો ન છોડ્યો