અમદાવાદ શહેરના ભદ્રેશ્વર વિસ્તારમાં લંપટ યુવકના ત્રાસથી એક માસુમ સગીરાનો બલિદાન લેવાયો હોવાની હૃદયદ્રાવક ઘટના બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વિસ્તારમાં જ રહેતો નસીમ ઉર્ફે લલ્લુ અન્સારી નામનો યુવક 16 વર્ષીય સગીરા સાથે પ્રેમસંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો. અગાઉ સગીરા તેના સંપર્કમાં હતી, પરંતુ પાછળથી તે આરોપી સાથે કોઈ સંબંધ કે વાતચીત રાખવા માગતી ન હતી.
અમદાવાદમાં રોમિયોના ત્રાસથી સગીરાનો આપઘાત
આરોપી નસીમ સગીરાના ઘરની આસપાસ અવારનવાર નકામા આંટાફેરા મારતો હતો અને તેને રસ્તામાં રોકીને વાતચીત કરવા મજબૂર કરતો હતો. આરોપીના આ ત્રાસથી બચવા માટે પરિવારજનો પોતાનું રહેઠાણ બદલીને અન્ય સ્થળે રહેવા જતા રહ્યા હતા. આમ છતાં, કળિયુગી આરોપી નસીમ ત્યાં પણ પહોંચી જઈ સગીરાને સતત હેરાનગતિ અને માનસિક ત્રાસ આપતો હતો.
પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણ હેઠળ કરી કાર્યવાહી
ગત 13 ઓગસ્ટના રોજ સગીરાના પરિવારના કેટલાક સભ્યો કોઈ કામ અર્થે બહાર ગયા હતા અને સગીરા ઘરે એકલી હતી. આરોપીના સતત માનસિક ત્રાસથી કંટાળી ગયેલી સગીરાએ ઘરના ઉપરના રૂમમાં જઈને ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો જ્યારે પરત ફર્યા ત્યારે સગીરા લટકતી હાલતમાં મળી આવી હતી. તાત્કાલિક 108 ની ટીમને બોલાવવામાં આવી હતી, પરંતુ તબીબોએ સગીરાને મૃત જાહેર કરી હતી.
આરોપી નસીમની ધરપકડ કરી
બનાવ અંગે પરિવારજનોએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આરોપી નસીમ ઉર્ફે લલ્લુ અન્સારી સામે ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી નસીમની ધરપકડ કરી લીધી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ સગીરાઓ સાથે છેડતી અને પોક્સો (POCSO) એક્ટ હેઠળના ગુનામાં સંગ્રહિત રહી ચૂક્યો છે. હાલ પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણની કલમો હેઠળ ગુનો નોંધી વધુ પુરાવા એકત્ર કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Himatnagar: RTO-વિરપુર બાયપાસ રોડ પર ચાલતી કારમાં ભીષણ આગ, જોતજોતામાં બળીને ખાખ