હિંમતનગર ખાતેથી પસાર થતા હાઇવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હિંમતનગર RTO થી વિરપુર તરફ જતા બાયપાસ રોડ પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક જ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.શરૂઆતમાં કારના એન્જિન બોનેટમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં આગે સમગ્ર કારને પોતાની ચપેટમાં લઈ લીધી હતી.

રસ્તા પર ચાલી રહેલી કાર સળગી

રસ્તા પર ચાલી રહેલી કાર સળગી ઊઠતાં માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ડરનો માહોલ સર્જાયો હતો. આગની આ ઘટના સમયે રોડ પર અવરજવર કરતા અને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક વહારે દોડી આવ્યા હતા. આગ વધુ પ્રસરિત થાય તે પહેલાં જ સ્થાનિક લોકોએ ભારે હિંમત દાખવી કારનો દરવાજો ખોલી કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધો હતો. જેને કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

કાર ચાલકનો આબાદ બચાવ થયો

ઘટના અંગેની જાણ થતાં જ હિંમતનગર પોલીસની ટીમ તાત્કાલિક બાયપાસ રોડ ખાતે દોડી આવી હતી. બળી રહેલી કારના કારણે હાઇવે પર વાહનોની લાંબી લાઈનો ન લાગે અને અન્ય કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે પોલીસે બંને બાજુથી અવરજવર કરતા વાહનોને થોડીવાર માટે રોકીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી. કારમાં આગ કયા કારણોસર લાગી (શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ યાંત્રિક ખામી) તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Mahisagar: જિલ્લાના તમામ તાલુકામાં ધીરી ધારે મેઘમહેર, ચોમાસુ પાકોને નવજીવન મળતાં ધરતીપુત્રો ઉત્સાહિત