મહીસાગર જિલ્લામાં હવામાનમાં આવેલા અચાનક પલટા બાદ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. જિલ્લાના મુખ્ય વ્યાપારી મથક ગણાતા બાલાસિનોર નગર વિસ્તારમાં બપોરના સમયે અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી.
મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું
ટૂંકા જ સમયમાં પડેલા ભારે વરસાદને કારણે બાલાસિનોર નગરના મુખ્ય સ્ટેશન રોડ, બજાર વિસ્તાર, અને સોસાયટીના એપ્રોચ રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા પદયાત્રીઓ અને દ્વિચક્રી વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. બાલાસિનોર નગરમાં ભારે વરસાદની સાથે સાથે મહીસાગર જિલ્લાના અન્ય તમામ તાલુકાઓમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના કડાણા, સંતરામપુર, લુણાવાડા, વીરપુર અને ખાંડપુર સહિતના તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધીરી ધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.
