સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ સતત કડક વલણ અપનાવી રહી છે, ત્યારે લાયસન્સવાળા હથિયારનો ગેરઉપયોગ કરી જાહેર જનતામાં દહેશત અથવા રોફ જમાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સરથાણાના અયોધ્યાચોક સ્થિત યુનિટી ટાવરમાં રહેતો આશિષભાઈ ધનજીભાઈ સાકરીયા નામનો શખ્સ પોતાની પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વર લઈને એક ચાની કીટલી પર પહોંચ્યો હતો.
જાહેરમાં લાયસન્સવાળા હથિયારનો ગેરઉપયોગ
અહીં તેણે પોતાની બંદૂક બહાર કાઢીને જાહેરમાં ડિસ્પ્લે કરી સીન સપાટા કરવાનો અને શો-ઓફ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના કીટલી કે આસપાસ લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજ સોશિયલ મીડિયા અને પોલીસ વિભાગ સુધી પહોંચતાં જ ચકચાર મચી ગઈ હતી.જાહેર સ્થળે હથિયારનું પ્રદર્શન કરીને કાયદાના ધજાગરા ઉડાડવાના આ બનાવને સુરત પોલીસે અત્યંત ગંભીરતાથી લીધો હતો. લસકાણા પોલીસ સ્ટેશનની ટીમને આ મામલે ચોક્કસ બાતમી મળતાં જ તેમણે તાત્કાલિક દરોડો પાડીને ગણતરીની મિનિટોમાં જ આરોપી આશિષ સાકરીયાને ઝડપી પાડ્યો હતો.
