સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને વાદળો વિખેરાઈ ગયા છે, પરંતુ સ્થાનિક પ્રજાની આફતનો અંત આવ્યો નથી. ધ્રાંગધ્રા તાલુકાના ઐતિહાસિક પાંચ ગામોને જોડતા મુખ્ય માર્ગ પર આવેલો જેગડવા રેલ્વે અંડરબ્રિજ સંપૂર્ણપણે તળાવમાં ફેરવાઈ ગયો છે.

ધ્રાંગધ્રા પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો

વરસાદ બંધ થયાને 24 કલાકથી વધુ સમય વિતી જવા છતાં અંડરબ્રિજમાં અંદાજે 10 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. આ અંડરબ્રિજ પરથી દરરોજ હજારો ગ્રામજનો અને દૂધ-શાકભાજીના વાહનો પસાર થાય છે, પરંતુ 10 ફૂટ પાણી ભરાઈ જવાને કારણે જેગડવા, રામગઢ, હામપર અને મેથાણ ગામનો સંપર્ક માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. વાહનો તો દૂર, પદયાત્રીઓ માટે પણ આ રસ્તો પસાર કરવો અશક્ય બન્યો છે.

અંડરબ્રિજમાં 10 ફૂટ વરસાદી પાણી ભરાયા

અંડરબ્રિજમાં ભરાયેલા કાળજાળ પાણીનો નિકાલ કરવા માટે રેલવે તંત્ર દ્વારા કર્મચારીઓ અને ડીઝલ પંપ મોકલવામાં આવ્યા હતા. જોકે, પાણીનો જથ્થો અત્યંત વધારે હોવાથી અને યોગ્ય ડ્રેનેજ આઉટલેટ ન હોવાથી રેલવે કર્મચારીઓની પાણી નિકાલની કામગીરી તદ્દન નિષ્ફળ નીવડી છે. કલાકોની મહેનત છતાં પાણીનું સ્તર ઘટવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે રાહદારીઓ અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

આ પણ વાંચો: Lakhtar-વિરમગામ હાઈવે પર નદી જેવા દ્રશ્યો સર્જાયા: મફતીયાપરા દલિતવાસમાં પૂરના પાણી ઘૂસ્યા