દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ખાનગી વીજ કંપનીની મનમાની સામે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ગામની ગૌચરની કિંમતી જમીન તથા સિંચાઈના તળાવમાંથી મંજૂરી વગર વીજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ એકઠા થઈને આ ગેરકાયદે કામગીરી સામે મોરચો ખોલ્યો છે.

ગૌશાળા ખાતે બેઠક યોજી ગ્રામજનો થયા એકજૂથ

આ ગંભીર મુદ્દે ભાડથર ગામની ગૌશાળા ખાતે આશરે 300 જેટલા ગ્રામજનોની એક વિશાળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગામલોકોએ ગૌચરની જમીનને કોઈપણ ભોગે બચાવવા માટે એકજૂથ થઈને લડત આપવાનો નિર્ધાર કર્યો હતો. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે, ગ્રામ પંચાયત દ્વારા કોઈને પણ વિશ્વાસમાં લીધા વિના જ ગુપ્ત રીતે એનઓસી (NOC) આપી દેવામાં આવી છે અને કંપની પાસે કોઈ દસ્તાવેજી મંજૂરી પણ નથી.

Dwarka News: Villagers Protest Against Power Company in Bhadathar

કામગીરી અટકાવીને કલેક્ટર કચેરીએ આંદોલનની ચીમકી

રોષે ભરાયેલા મોટી સંખ્યામાં ગ્રામજનો તાત્કાલિક કામગીરી સ્થળ પર દોડી ગયા હતા અને વીજ લાઈન નાખવાનું કામ બંધ કરાવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધને પગલે કંપનીના કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર ન રહેતા ગ્રામજનોમાં વધુ આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો ગૌચર જમીન પરની આ કામગીરી તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે, તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર ઉપવાસ આંદોલન કરવામાં આવશે.


આ પણ વાંચો: 29 October Top News: દિવાળી પર વીજ સંકટની અસર! કમોસમી વરસાદ પડવાની શક્યતા! સામુહિક આપઘાત પાછળનું કારણ શું?