દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. કારમાં દારૂની બોટલો સાથે સોશિયલ મીડિયા પર રીલ બનાવીને વાયરલ કરવામાં આવી છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે આ રીતે ખુલ્લેઆમ દારૂ દર્શાવીને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરાતાં અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ભય ન રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકી પોલીસને ખુલ્લી ચેલેન્જ

આ વાયરલ વીડિયોમાં બુટલેગરો ખુલ્લેઆમ ખાખીને પડકાર ફેંકતા નજરે પડી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકીને બુટલેગરોએ એક પ્રકારે ખાખી વર્ધીને ખુલ્લી ચેલેન્જ આપી છે. દારૂબંધીના દાવાઓ વચ્ચે બુટલેગરોના આટલા બુલંદ હોસલા જોઈને સ્થાનિકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું છે. બુટલેગરો બેફામ બનતાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે.

વાયરલ વીડિયો બાદ તપાસની માંગ, પોલીસ સામે સવાલો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા આ વીડિયો બનાવનાર અને વાયરલ કરનાર અસામાજિક તત્વો સામે તાત્કાલિક ધોરણે કડક તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો : Panchmahal News : પાવાગઢમાં ભક્તો માટે મહત્વના સમાચાર, 5 દિવસ રોપવે સેવા રહેશે સંપૂર્ણ બંધ