યાત્રાધામ પાવાગઢ ખાતે માહાલક્ષ્મી માતાજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ ખાતે આગામી 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી રોપવે સેવા સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપવેનું સંચાલન કરતી ઉડનખટોલા કંપની દ્વારા વાર્ષિક અને ટેકનિકલ મેન્ટેનન્સ કામગીરીને પગલે આ સેવા પાંચ દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે.
સુચારુ કામગીરી અને સુરક્ષા અર્થે મેન્ટેનન્સ
યાત્રિકોની સુરક્ષા અને રોપવેની ટેકનિકલ ક્ષમતા જળવાઈ રહે તે માટે સમયાંતરે મેન્ટેનન્સ કરવું અત્યંત જરૂરી હોય છે. પાંચ દિવસ દરમિયાન રોપવેના વાયર, કેબિન અને વિવિધ ટેકનિકલ પાર્ટ્સની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ 8 ઓગસ્ટથી રોપવે સેવા પૂર્વવત રીતે યાત્રિકો માટે શરૂ કરી દેવામાં આવશે.
