હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ સુધી અતિભારે વરસાદની ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં મેઘમહેર અને પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ તારાજી પાછળનું મુખ્ય કારણ એકસાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થવાનું જણાવવામાં આવ્યું છે. આજે પણ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે, જ્યારે 31 જુલાઈએ  અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે 30 જુલાઇ માટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ગાંધીનગર, અમદાવાદ અને ભરૂચ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા દર્શાવતું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભરાવદાર વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ' અપાયું છે.

21af3e87-f622-449b-9235-b8fd2d00c153

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વરસાદી સિસ્ટમ ભારે હોવાના કારણે રાજ્યમાં વાવાઝોડા જેવા માહોલ સાથે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ વર્તાવવામાં આવી છે. દરિયામાં કરંટ વધવાની અને ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પણ તમામ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રહેવા આદેશ આપી દેવાયા છે.

આ પણ વાંચો : Jamnagar News : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક મામલો, NSUI દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન...