ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ચર્ચિત પેપર લીક મામલે વિદ્યાર્થી સંગઠન NSUI આક્રમક મોડમાં આવી ગયું છે. આ ગંભીર બેદરકારી સામે NSUI દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટર કચેરીઓ ખાતે આવેદનપત્ર પાઠવીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જામનગરમાં પણ NSUIના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તંત્ર સમક્ષ આકરા વિરોધ સાથે રજૂઆત કરી હતી.

પેપર સેન્ટર અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ

આવેદનપત્ર દરમિયાન વિદ્યાર્થી સંગઠને પેપર સેન્ટર અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પેપર લીક થવાથી હજારો નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી મહેનતુ વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમમાં મુકાઈ રહી હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સરકાર પાસે તાત્કાલિક અને દાખલારૂપ પગલાંની માંગ

યુનિવર્સિટીની શાખ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તંત્ર તથા સરકાર પાસે તાત્કાલિક અસરથી પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. NSUI એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ મામલે દોષિતો સામે વહેલી તકે દાખલારૂપ અને સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે.

આ પણ વાંચો : Monsoon 2026 : સુરતની પેટર્ન પર અમદાવાદમાં પણ સહાય, લારી-ગલ્લા ધારકો સહિત તમામને મળશે મદદ, સર્વેની કામગીરી શરૂ!