યાત્રાધામ દ્વારકામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ જગત મંદિરની સુરક્ષા અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારના કેમેરા, મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર કાયદાકીય પ્રતિબંધ છે. તેમ છતાં જન્માષ્ટમીના મહાપર્વ દરમિયાન દર્શનાર્થે આવેલો એક યુવક સજ્જડ સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ચોરીછૂપીથી પોતાનો મોબાઈલ ફોન મંદિર પરિસરમાં લઈ ગયો હતો.
દ્વારકા જગત મંદિરમાં સુરક્ષા ચૂંકનો મામલો
આ યુવકે મંદિર પરિસરની અંદરનો વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. જગત મંદિર પરિસરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા અને સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થયું હતું.સુરક્ષામાં ભંગના આ મામલાને દ્વારકા પોલીસે ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે વીડિયો વાયરલ કરનાર રાહુલ વસતાપરા નામના યુવકની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે. પકડાયેલો રાહુલ વસતાપરા મૂળ ન્યૂઝીલેન્ડનો યુવક છે અને હાલ સુરતમાં રહે છે.
