યાત્રાધામ દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિરમાં ફરી એકવાર VIP કલ્ચર અને નિયમોના બેવડા ધોરણોને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. મંદિર પરિસરમાં સુરક્ષાના કારણોસર મોબાઈલ ફોન લઈ જવા અને વીડિયો રેકોર્ડિંગ કરવા પર સખત પ્રતિબંધ હોવા છતાં, જાણીતા કથાકાર મોરારીબાપુ અને લોકગાયક કીર્તિદાન ગઢવીનો મંદિરની અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સામાન્ય શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મંદિર પ્રશાસનની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
દ્વારકા જગત મંદિરમાં ફરી એકવાર VIP કલ્ચર
દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શન કરવા આવતા સામાન્ય ભક્તોના મોબાઈલ ફોન બહાર જ જમા કરાવી લેવામાં આવે છે અને મંદિરની અંદર ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી પર સંપૂર્ણ રોક છે. તેમ છતાં મંદિરની અંદરના પ્રતિબંધિત વિસ્તારમાં આ વીડિયો કોણે ઉતાર્યો અને કેવી રીતે રેકોર્ડિંગ થયું તે એક મોટો સવાલ બની ગયો છે. આ ઘટનાએ મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને મોબાઈલ પ્રતિબંધના નિયમોના પાલન સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
