દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના સલાયા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સલાયાના ડી. વી. નગર વિસ્તારમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા અલગ-અલગ બે રહેણાંક મકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ બંધ મકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સમગ્ર ઘરમાં સામાન વેરવિખેર કરીને કિંમતી ચીજવસ્તુઓની શોધખોળ કરી હતી.
કબાટના તાળા તોડ્યા, રોકડ અને દાગીના ઉસેડી ગયા
મળતી માહિતી મુજબ, મકાનમાં પ્રવેશેલા અજાણ્યા ચોર ઇસમોએ રૂમમાં રાખેલા કબાટોના તાળા તોડી નાખ્યા હતા. કબાટની અંદર રાખવામાં આવેલા સોના અને ચાંદીના કિંમતી દાગીના તેમજ ઘરમાં રાખેલી રોકડ રકમ તસ્કરો આસાનીથી ઉસેડી ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, તસ્કરો બંને મકાનોમાંથી કુલ રૂપિયા 60 હજારથી વધુની મત્તાની ચોરી કરીને રાત્રિના અંધારામાં નાસી છૂટ્યા છે.













