દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ખાનગી વીજ કંપનીની મનમાની અને સ્થાનિક ખેડૂતો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે ખાનગી વીજ કંપનીના કામકાજની કાયદેસરતા અને ખરાઈ અંગેના દસ્તાવેજો માંગવા ગયેલા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો પર એક ઉશ્કેરાયેલા શખ્સે સીધું ટ્રેક્ટર ચડાવી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ સમગ્ર ચકચારી અને ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે રોષ અને તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે.
દસ્તાવેજોની માંગણી કરતાં મામલો બિચક્યો
ઘટના સંદર્ભે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર કલ્યાણપુરના કાનપર શેરડી ગામની સીમ વિસ્તારમાં એક ખાનગી વીજ કંપની દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી.પોતાના ખેતરો અને સીમ વિસ્તારમાં ચાલતા આ કામ અંગે ખેડૂતો તેમજ સ્થાનિકોએ કંપનીના કર્મચારીઓ અને પ્રતિનિધિઓ પાસે સત્તાવાર મંજૂરી અને આધારભૂત દસ્તાવેજોની માંગણી કરી હતી.કાગળો બતાવવાના બદલે કંપનીના માણસો ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા લાગ્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને રકઝક શરૂ થઈ ગઈ હતી.
