ભારત દેશમાં આ વખતે અલનીનોની અસરને કારણે મોટા ભાગના વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદ ઓછો થવાને કારણે ગરમીનું પ્રમાણ તો વધ્યું જ છે. તેની સાથે સાથે શિયાળાએ દસ્ક્ત દેવામાં પણ મોડું કર્યું છે. અનેક શહેરોનું તાપમાન પણ 40 ડિગ્રી જેટલું વધ્યું છે. બીજી તરફ ગુજરાતમાં ઓછા વરસાદને કારણે પાણીની સ્થિતિ વધુ વિકટ બની છે. જળાશયોમાં પાણીનો જથ્થો ખૂટવાના આરે હોવાથી ગુજરાત હવે માં રેવાના ભરોસે છે. રાજ્યના મોટા ડેમમાં પીવાનું અને સિંચાઈનું પાણી આપવા માટે સતત માગ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય સરકારે આજે ચાર જિલ્લાઓને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કર્યા છે. પોરબંદર, જામનગર, કચ્છ અને દ્વારકા જિલ્લામાં દુકાળની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. 

વધુમાં વધુ બે હેક્ટર દીઠ સહાય ચૂકવવામાં આવશે

ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં રાજ્યમાં દુષ્કાળગ્રસ્ત જિલ્લાની જાહેરાત કરી છે. આ ચાર જિલ્લામાં પોરબંદર, જામનગર, કચ્છ અને દ્વારકા જિલ્લામાં દુકાળની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોને હેક્ટર દીઠ 8500ની સહાય આપશે. ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટર દીઠ સહાય ચૂકવવામાં આવશે. સરકારના જણાવ્યા પ્રમાણે પશુઓના ઘાસ ચારા માટે આગોતરૂ આયોજન કરવામાં આવશે. રાજ્ય સરકાર પાસે હાલમાં ત્રણ કરોડ કિલો ઘાસચારો ઉપલબ્ધ છે. બીજી તરફ ગ્રામીણ લોકોને રોજગારી માટે ખાસ આયોજન કરાશે. VVGRAMJI યોજના હેઠળ રોજગારી અપાશે. પહેલી નવેમ્બર 2026થી આ યોજના લાગુ થશે. જે દુષ્કાળ જાહેર થયાથી 6 મહિના અમલમાં રહેશે.રાજ્ય સરકાર પશુ દીઠ રોજના 85 રૂપિયા સહાય આપશે. જે બે મહિના સુધી અપાશે. 


દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓના કેટલા તાલુકામાં મળશે સહાય 

કચ્છ જિલ્લાના કુલ 10 તાલુકાને મળશે સહાય

જામનગર જિલ્લાના તમામ 6 તાલુકા અસરગ્રસ્ત 

દ્વારકા જીલ્લાના તમામ 4 તાલુકા અછત ગ્રસ્ત 

પોરબંદર જીલ્લાના તમામ 3 તાલુકા અસરગ્રસ્ત

2018માં સરકારે 51 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતાં. 

વર્ષ 2018માં ઓછો વરસાદ થવાથી દુકાળગ્રસ્ત સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને ગુજરાત સરકારે રાજ્યના 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતાં. તેમાં કચ્છના તમામ 10, બનાસકાંઠાના 9, પાટણના 8, અમદાવાદના 3, સુરેન્દ્રનગરના 7, મહેસાણાના 4, મોરબીના 3, જામનગરના 2, દેવભૂમિ દ્વારકાના 2, રાજકોટના 2 અને ભાવનગર જિલ્લાના 1 તાલુકાનો સમાવેશ કરાયો હતો. અગાઉ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ 125 મીમી (5 ઈંચ) કરતાં ઓછો વરસાદ હોય તેવા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા માટેનો માપદંડ હતો. જોકે પાછળથી આ માર્ગદર્શિકા વધુ ઉદાર બનાવવામાં આવી હતી. 

2018માં રાજ્ય સરકારે આ પ્રમાણે સહાય જાહેર કરી હતી

ગુજરાત સરકારે 250 મીમી કરતાં ઓછો વરસાદ મેળવનાર તમામ 51 તાલુકાઓને 1 ડિસેમ્બરથી અછતગ્રસ્ત જાહેર કર્યા હતાં. અછતગ્રસ્ત તાલુકાઓમાં અપૂરતા વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો હતો તે ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. 6800ની સહાય, સરકાર દ્વારા મંજૂર કરાયેલા ઢોરવાડા માં બે મહિનાના સમયગાળા માટે મોટા પશુઓ માટે રોજના રૂ. 70 અને નાના પશુઓ માટે રૂ. 35ની સહાય, બાકીના સમયગાળામાં સહાયની રકમ પશુ દીઠ રૂ. 70ના બદલે રૂ. 25 રાજ્ય સરકારે અછતગ્રસ્ત વિસ્તારો માટે 4 કરોડ કિલો ઘાસચારો ખરીદવાનો નિર્ણય કર્યો હતો. 51 તાલુકાઓમાં વ્યક્તિગત પશુપાલકો માટે સરકાર દ્વારા દૈનિક 4 કિલો સુધી રૂ. 2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવાની જાહેરાત કરાઈ હતી. મનરેગામાં 100ની જગ્યાએ 150 દિવસ માનવદિનની રોજગારી જાહેર કરાઈ હતી.

દુષ્કાળ જાહેર કરવાના નિયમો શું છે?

ટ્રીગર-વન મુજબ સતત 4 અઠવાડિયા કે તેથી વધુ સમય વરસાદ ના પડે તો તે વિસ્તારમાં દુષ્કાળ-અછત જાહેર થઈ શકે.ટ્રીગર-વન એક્ટિવેટ થયા પછી ટ્રીગર-ટૂ મુજબ જે ઓછા વરસાદવાળો વિસ્તાર હોય ત્યાં વાવેતર વિસ્તારમાં માટીમાંના ભેજનું તથા ચોડના ગ્રોથનું એસેસમેન્ટ થાય.ટ્રીગર-ટૂ હેઠળની કામગીરી પૂર્ણ થાય એ પછી ટ્રીગર-થ્રી અંતર્ગત ફિલ્ડમાં જઈને ખરાઈ થાય એટલે કે રેન્ડમલી 10 ટકા વાવણી વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ સેમ્પલો મેળવી ચકાસણી થાય. આ આખરી પ્રોસેસ બાદ જે તે વિસ્તારમાં દુષ્કાળ કે અછતની સ્થિતિ જાહેર થાય. અહીં નોંધવૂં રહ્યું કે 2016ના નવા મેન્યુઅલમાં અછત જેવો કોઈ શબ્દ ઉલ્લેખાયો નથી, માત્ર દુષ્કાળ તરીકે જ ઉલ્લેખ છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: સોમનાથ બાદ હવે ઇકો ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગ મોડેલને અંબાજી મંદિરમાં અપનાવાશે