દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાંથી છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે.કલ્યાણપુર તાલુકાના લાંબા અને રાવલ ગામે અજાણ્યા ઠગોએ સોનાના દાગીના સાફ કરી આપવાની લાલચ આપીને બે મહિલાઓને પોતાનો શિકાર બનાવી છેતરપિંડી આચરી છે.કેમિકલ વડે દાગીના ચોખ્ખા કરવાના બહાને આ શખ્સોએ મહિલાઓના કિંમતી સોનાની ચોરી કરી લીધી હતી.
સોનું કેમિકલ પ્રક્રિયા દ્વારા ઓગાળીને સેરવી લેવાયું
મળતી માહિતી મુજબ,લાંબા અને રાવલ ગામે દિવસ દરમિયાન ઘરે આવેલી અજાણી વ્યક્તિઓએ ઘરકામ કરતી અને એકલી રહેલી મહિલાઓને વિશ્વાસમાં લીધી હતી.લાંબા ગામે એક વૃદ્ધ મહિલાના હાથમાં પહેરેલી બે સોનાની બંગડીઓ કેમિકલથી સાફ કરી આપવાનું કહીને ઠગોએ તેમાંથી આશરે 16.88 ગ્રામ સોનું સેરવી લીધું હતું.આ ગાયબ થયેલા સોનાની આશરે કિંમત રૂ.47 હજાર જેટલી આંકવામાં આવી રહી છે.આવો જ બીજો બનાવ રાવલ ગામે બન્યો હતો,જ્યાં એક મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન સાફ કરવાના બહાને તેનામાંથી આશરે 6 ગ્રામ સોનું કેમિકલ પ્રક્રિયા દ્વારા ઓગાળીને સેરવી લેવાયું હતું.
