દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પ્રફુલભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું છે. ભાવનાબેન પટેલ છેલ્લા ઘણા સમયથી લાંબી અને ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને તેમની તબીબી સારવાર ચાલી રહી હતી. જોકે, તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભાવનાબેનના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર વહીવટી તંત્ર, સાબરકાંઠા જિલ્લા અને સંઘપ્રદેશના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.


વતન હિંમતનગરમાં થશે અંતિમ સંસ્કાર

પટેલ પરિવારના સૂત્રો પાસેથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, સદ્ગત ભાવનાબેન પટેલના પાર્થિવ દેહને તેમના વતન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લાવવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર હિંમતનગર ખાતે જ ધાર્મિક વિધિ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવશે, જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ અને સ્નેહીજનો સદ્ગતને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહેશે. ભાવનાબેન તેમના સદગુણી અને પરોપકારી સ્વભાવ માટે જાણીતા હતા. ઇશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પ્રફુલભાઈ પટેલ તથા સમગ્ર પરિવારને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

આ પણ વાંચો:Dang: સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદી ઝાપટાં, પ્રકૃતિ સોળે કળાએ ખીલી


  • Follow us on: