દક્ષિણ ગુજરાતના સરહદી અને આદિવાસી બહુલ ધરાવતા ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ સાપુતારામાં લાંબા સમયના અસહ્ય બફારા બાદ આખરે મેઘરાજાએ મન મૂકીને કૃપા વર્સાવી છે. આજે બપોરના સમયે અચાનક આકાશ વાદળછાયું બન્યું હતું અને પવનની ગતિ સાથે સાપુતારા હિલ સ્ટેશન તેમજ ઘાટ માર્ગો પર વરસાદ તૂટી પડ્યો હતો. સાપુતારાની સાથે સાથે તેના તળેટીના અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે, જેના કારણે સ્થાનિક જનજીવનને ગરમીથી મોટી રાહત મળી છે.
સાપુતારામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
સાપુતારામાં વરસાદ પડતાં જ સમગ્ર પર્વતીય વિસ્તારમાં વાદળો અને ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. વરસાદના કારણે અહીંના ધોધ અને આજુબાજુના જંગલોની પ્રકૃતિ જીવંત થઈ ઉઠી છે. પ્રકૃતિનો આ અદ્ભુત નજારો લાઈવ માણવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આવેલા પ્રવાસીઓ ભારે ખુશખુશાલ જોવા મળ્યા હતા. લોકોએ સાપુતારા લેક, ગવર્નર હિલ અને સનસેટ પોઇન્ટ ખાતે વરસાદમાં નહાવાની અને ગુલાબી ઠંડકની મજા માણી હતી. સોશિયલ મીડિયા પર સાપુતારાની આ હરિયાળીના ડિજિટલ વીડિયો અને ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
ખેતી કાર્યોને વેગ મળશે
બીજી તરફ, આ વરસાદ માત્ર પ્રવાસીઓ માટે જ નહીં પરંતુ ડાંગના સ્થાનિક ખેડૂતો માટે પણ મોટા રાહતના સમાચાર લઈને આવ્યો છે. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે ડાંગર (ચોખા), નાગલી અને વરાઈ જેવા પાકોની ખેતી કરવામાં આવે છે, જેના માટે ચોમાસાનો પ્રારંભિક વરસાદ ખૂબ જ કિંમતી માનવામાં આવે છે. મેઘમહેર થતાં જ ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણીની પૂર્વ તૈયારીઓ અને કૃષિ કાર્યો વેગવંતા બનાવ્યા છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, હજુ પણ આગામી દિવસોમાં ડાંગના જંગલ વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: Ahmedabad: દક્ષિણ ગુજરાતમાં મેઘગર્જના સાથે ભારે વરસાદની ચેતવણી, સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર સામાન્ય ઝાપટાની સંભાવના