ગાંધીનગર લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત કલોલ તાલુકાની પિયજ ગ્રામ પંચાયતમાં એક સફળ ડીકોય ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું.પિયજ ગ્રામ પંચાયતમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કાર્યરત ભાવેશ સુનિલભાઈ પટેલ અરજદારો પાસેથી સરકારી કામકાજ પેટે નાણાં પડાવતા હોવાની બાતમી એસીબીને મળી હતી.ગ્રામ પંચાયતમાંથી જમીનના રેકર્ડ અને જમીન નોંધના કાગળોની નકલ મેળવવા આવતા અરજદારો પાસેથી તેઓ નિયત કાયદેસરની સરકારી ફી ઉપરાંત વધારાની લાંચ માગતા હતા.
એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો
પંચાયત કચેરી ખાતે ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિને ખુલ્લી પાડવા માટે એસીબી દ્વારા છટકું ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ગાંધીનગર એસીબીની ટીમે પિયજ ગ્રામ પંચાયત કચેરી ખાતે છટકા દરમિયાન જ્યારે અરજદાર દ્વારા જમીનના રેકર્ડ અને નોંધની નકલ માગવામાં આવી ત્યારે આરોપી ભાવેશકુમાર સુનિલભાઈ પટેલે રૂ.300ની લાંચની સ્પષ્ટ માંગણી કરી હતી.ડીકોયરે નિયત કાયદેસરની ફી સિવાય લાંચ પેટે રૂ.300 આપતાં જ આરોપીએ તે રકમ સ્વીકારી લીધી હતી.આરોપીએ લાંચની રકમ સ્વીકારતાની સાથે જ પંચાયત કચેરી પરિસરમાં પહેલેથી જ ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
