સાબર ડેરીમાં કેટલ ફીડ સપ્લાય અને પ્રોડક્શનની કામગીરીમાં ગંભીર ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે પશુપાલકોનો વિવાદ હવે સચિવાલય સુધી પહોંચ્યો છે. આ મામલે રજૂઆત કરવા પશુપાલકો સચિવાલય પહોંચ્યા હતા અને સહકાર મંત્રીના કાર્યાલયમાં પોતાની રજૂઆત કરી હતી. સાબર ડેરીના વહીવટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
કેટલ ફીડ સપ્લાય અને પ્રોડક્શનમાં ગેરરીતિના આક્ષેપ
પશુપાલકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં સાબર ડેરીના કેટલ ફીડ સપ્લાય અને પ્રોડક્શનની કામગીરીમાં ગંભીર ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. બાબુભાઈ પુરોહિત મુખ્ય સંચાલન કરતા હોવાનો ઉલ્લેખ કરીને તેમની સાથે સંકળાયેલી કંપનીને કોન્ટ્રાક્ટ મળતો હોવાનો પણ આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.
ટેન્ડર વિના કંપનીને કોન્ટ્રાક્ટ મળતો હોવાનો આક્ષેપ
રજૂઆતમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટેન્ડર પ્રક્રિયા વિના જ ચોક્કસ નામે કોન્ટ્રાક્ટ પાસ કરવામાં આવે છે. ડેરીના પેટાનિયમોને કારણે તેમની જ કંપનીને કોન્ટ્રાક્ટ મળતો હોવાનો દાવો પણ પશુપાલકો દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ ઉઠાવવામાં આવી છે.
દોઢ વર્ષથી રજૂઆત છતાં કાર્યવાહી નહીં થયાનો દાવો
પશુપાલકોના જણાવ્યા મુજબ સાબર ડેરીમાં થતી કથિત ગેરરીતિઓ અંગે છેલ્લા દોઢ વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં આ મામલે યોગ્ય કાર્યવાહી થઈ ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હવે પશુપાલકો સીધા સચિવાલય પહોંચીને સહકાર મંત્રીના કાર્યાલયમાં રજૂઆત કરી છે.
વહીવટદારની નિમણૂક કરી તપાસ કરવાની માંગ
પશુપાલકોએ સરકાર સમક્ષ સાબર ડેરીમાં વહીવટદારની નિમણૂક કરવાની અને સમગ્ર વહીવટની તપાસ કરાવવાની માંગ કરી છે. સરકાર દ્વારા આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો વર્ષ 2030 સુધીમાં સાબર ડેરીને તાળા વાગવાની ભીતિ પણ પશુપાલકોએ વ્યક્ત કરી છે.સાબર ડેરીમાં કેટલ ફીડ સપ્લાય, પ્રોડક્શન અને કોન્ટ્રાક્ટની પ્રક્રિયા અંગે થયેલી રજૂઆત બાદ હવે સરકાર આ મામલે શું નિર્ણય લે છે તેના પર પશુપાલકોની નજર છે.
આ પણ વાંચો : Dabhoi : ‘સંઘ કે VHP પાછળ ફરવાથી ટિકિટ મળે?’ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો