ડભોઇના સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ આપેલા નિવેદનોથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ધારાસભ્યે ભાજપની ટિકિટની ફાળવણી, વિકાસનાં કામો, રેતી અને માટીની ચોરીના આક્ષેપો સહિતના મુદ્દે પોતાની વાત રજૂ કરી હતી. તેમના નિવેદનોથી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

ટિકિટની ફાળવણી અંગે મોટું નિવેદન

ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, સંઘ કે વિશ્વ હિન્દુ પરિષદ પાછળ ફરવાથી ટિકિટ મળી જાય છે? ભાજપની 182 બેઠકો પર કોને ટિકિટ આપવી તેનો નિર્ણય નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, ડભોઇ વિધાનસભા વિસ્તારમાં તેઓ દિવસે દિવસે મોટા થયા છે.

રેતી અને માટી ચોરીના આક્ષેપો પર જવાબ

રેતી અને માટી ચોરીના આક્ષેપો અંગે મીડિયા સમક્ષ નિવેદન આપતાં ધારાસભ્યે કહ્યું કે, તેઓ જે કંઈ કહી રહ્યા છે તેના ઓન રેકોર્ડ પુરાવા તેમની પાસે છે. છોટાઉદેપુરમાં રેતી ચોરીના મામલે સીઆઈડી તપાસ ચાલુ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

બેનરો અને મીઠાઈ વિતરણ મુદ્દે ટિપ્પણી

જયેશ પટેલનાં બેનરો અને 500 ગ્રામ મીઠાઈના વિતરણને લઈને પણ શૈલેષ મહેતાએ ટિપ્પણી કરી હતી. જોકે, તેમણે કોઈ પ્રતિસ્પર્ધીનું નામ લીધા વગર આડકતરા પ્રહારો કર્યા હતા. ભાજપ પરિવારમાં છે ત્યાં સુધી બચાવીશું તેવું નિવેદન પણ તેમણે આપ્યું હતું. 

https://x.com/sandeshnews/status/2124740832830050775?a=HozzJgsq3J9r-udIAzk&s=20   


ડંકાની ચોટ પર કહું છું, કોઈનાથી ગભરાતો નથી

ધારાસભ્યે આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, ડંકાની ચોટ પર કહું છું કે હું કોઈનાથી ગભરાતો નથી. સાથે જ તેમણે ડભોઇ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ વિકાસનાં કામો થયાં હોવાનો દાવો કર્યો હતો. વિકાસનાં કામોની વિગતો આરટીઆઈ દ્વારા મેળવી શકાય છે તેમ પણ જણાવ્યું હતું.

ચૂંટણી નજીક આવતાં રાજકીય ચર્ચા તેજ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં ડભોઇ વિસ્તારમાં ગામેગામ બેનરો લાગતાં રાજકીય માહોલ ગરમાયો છે. સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્યનાં નિવેદનો બાદ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને ટિકિટની ફાળવણી અને સ્થાનિક રાજકીય સમીકરણોને લઈને આ નિવેદનો ચર્ચાનો વિષય બન્યાં છે. 


આ પણ વાંચો :     Operation Sindoor વખતે ચીને પાકિસ્તાનની મદદ શા માટે કરી? અમેરિકી અહેવાલમાં સૌથી મોટો ઘટસ્ફોટ