ગાંધીનગરના સરગાસણ હાઇવે પર મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતો અને કાળજું કંપાવી દેતો એક ગમખ્વાર અકસ્માત લાઈવ કેમેરા અને લોકોની નજર સામે સર્જાયો છે. વીકેન્ડ કે મોડી રાત્રિના સમયે વૈભવી કારો લઈને રેસ લગાવતા નશામાં ધુત નબીરાઓએ આ વખતે એસ.જી. હાઇવેને બાનમાં લીધો હતો. સરગાસણ ચાર રસ્તા નજીકથી પસાર થઈ રહેલી એક પૂરપાટ ઝડપે દોડતી હ્યુન્ડાઈ ક્રેટા કારના ચાલકે નશાના ઓવરડોઝમાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને આગળ જઈ રહેલી લક્ઝુરિયસ ગાડીઓને અડફેટે લીધી હતી.
ક્રેટા સળગીને રાખ થઈ, હાઇવે પર અફરાતફરી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ક્રેટા કારે પાછળથી એટલી પ્રચંડ ટક્કર મારી હતી કે મહિન્દ્રા EV કાર હવામાં ફંગોળાઈને આગળ જતી ઇનોવા કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ચેન રિએક્શનના કારણે કુલ 4 કારો એકબીજા સાથે કચડાઈ ગઈ હતી અને ચારેય લક્ઝુરિયસ કારનો કુરચો બોલી ગયો હતો. અકસ્માત થતાંની સાથે જ મુખ્ય વિલન બનેલી ક્રેટા કારમાં લાઈવ બ્લાસ્ટ થયો હતો અને તે ભડભડ સળગવા લાગી હતી. હાઇવે પર આગની જ્વાળાઓ અને અકસ્માત જોઈને ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ભારે અફરાતફરી મચી ગઈ હતી.










