ગુજરાતના કચ્છ સ્થિત મુંદ્રા પોર્ટ પરથી સપ્ટેમ્બર 2021માં ઝડપાયેલા આશરે 3000 કિલોગ્રામ હેરોઈન ડ્રગ્સના બહુચર્ચિત કેસમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બહુ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના કાળા નાણાંને સફેદ કરવાના મસમોટા કૌભાંડમાં ઈડીની ટીમે દિલ્હીના કુખ્યાત રહીશ હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવારની ધરપકડ કરી લીધી છે. ધરપકડ પૂર્વે ઈડી દ્વારા દિલ્હીમાં પાંચથી છ જેટલા શંકાસ્પદ ઠેકાણાઓ પર વ્યાપક દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ 24 જૂનના રોજ સત્તાવાર ધરપકડ કરીને આરોપીને સ્પેશિયલ પીએમએલએ (PMLA) કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.


3000 કિલોગ્રામ હેરોઈન ડ્રગ્સના બહુચર્ચિત કેસ

આ સમગ્ર હાઈ-પ્રોફાઈલ મામલો 13 સપ્ટેમ્બર 2021ના રોજ મુંદ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનથી ટેલ્કમ પાવડરના નામે આવેલા કન્ટેનરમાંથી પકડાયેલા કરોડો રૂપિયાના 3000 કિલો હેરોઈનના જથ્થા સાથે જોડાયેલો છે. અગાઉ ઓગસ્ટ 2022માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા પણ આ જ કેસના ટેરર ફંડિંગ અને સ્મગલિંગના કનેક્શનને લઈને હરપ્રીત સિંહ તલવારની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, આરોપી હરપ્રીત તલવાર હાલમાં જામીન પર જેલની બહાર હતો.

વેલિડ બિઝનેસના ઓથા હેઠળ ચાલતો ખેલ

EDની આર્થિક ગુનાઓની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે હરપ્રીત સિંહ તલવાર અફઘાનિસ્તાનથી ભારતમાં ઘુસાડવામાં આવતા આ ઘાતક ડ્રગ્સના નેટવર્કનું ફાઇનાન્સ સંભાળતો હતો. ડ્રગ્સની હેરાફેરી અને વેચાણમાંથી મળતા કરોડો રૂપિયાના કાળા નાણાંને વેલિડ બિઝનેસ અને જુદી જુદી ચેનલો દ્વારા હેરફેર કરીને કાયદેસર (વ્હાઇટ મની) બનાવવાનું મોટું નેટવર્ક તે ચલાવી રહ્યો હતો. હાલમાં ઈડીની ટીમ તેના રિમાન્ડ મેળવીને આ મની લોન્ડ્રિંગ નેટવર્કમાં દેશ-વિદેશના અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તેની ઝીણવટભરી પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો: Rajkot: જંગલેશ્વર ડિમોલિશનમાં પાણીની જેમ પૈસા વહ્યા, હવે માત્ર પાણીનું જ બિલ 12 લાખ આવતા નવો વિવાદ


  • Follow us on: