સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર વધુ એક ગમખ્વાર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ઉના નજીક આવેલા વર્સિંગપુર બાયપાસ પાસે પથ્થર ભરીને જઈ રહેલા ટ્રેક્ટરની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક ટક્કરમાં બોલેરો કાર ચલાવી રહેલા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
કારનો આગળનો ભાગ પડીકું વળી ગયો
પ્રાપ્ત વિગતો અનુસાર, બોલેરો કારમાં સવાર ચારેય મુસાફરો ગોંડલ પંથકના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વર્સિંગપુર બાયપાસ પાસે આગળ ચાલી રહેલા પથ્થર ભરેલા ટ્રેક્ટર સાથે પાછળથી જોરદાર ટક્કર થઈ હતી.વિસ્ફોટ જેવા પ્રચંડ અવાજ સાથે થયેલા આ અકસ્માતમાં બોલેરો કારના આગળના હિસ્સાના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. કારચાલક સ્ટીયરિંગ અને સીટ વચ્ચે દબાઈ જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
