ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં સાવજોની અવરજવર સામાન્ય બાબત છે, પરંતુ તાજેતરમાં સિંહ પરિવારની એક અત્યંત અનોખી અને રોમાંચક લટાર સામે આવી છે. ગીર ગઢડાના થોઠ વાડી વિસ્તારમાં આવેલા એક મકાનના પગથિયાં ચઢીને બે સિંહણ અને એક સિંહબાળ સીધા મકાનની અગાસી પર પહોંચી ગયા હતા. સામાન્ય રીતે જંગલમાં સફારીની પરમિટ લઈને જોવા મળતા વનરાજના દર્શન વાડીના મકાનની અગાસી પર જ થઈ જતાં સ્થાનિકો અને વન્યજીવપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે.
સિંહ અગાસી પર બેસીને આસપાસનું નિરીક્ષણ કર્યું,
ગીર ગઢડાના થોઠ વાડી વિસ્તારમાં રાત્રિ કે વહેલી સવારના સમયે બે સિંહણ અને એક સિંહબાળ લટાર મારતા-મારતા વાડીના મકાન પાસે આવ્યા હતા અને મકાનના પગથિયાં ચઢીને સીધા જ અગાસી પર જઈને બેસી ગયા હતા.મકાનની અગાસી પર બેઠેલા સિંહ પરિવારે થોડીવાર સુધી ઊંચાઈ પરથી આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. આ અદભૂત અને દુર્લભ દ્રશ્ય ત્યાંથી પસાર થતા એક રાહદારીની નજરે પડતાં તેણે તાત્કાલિક પોતાના મોબાઈલ કેમેરામાં આ રોમાંચક નજારો કેદ કરી લીધો હતો.
