ગીરના જંગલ અને તેની સરહદે આવેલા ગામડાઓમાં સિંહોની અવરજવર સામાન્ય છે, પરંતુ જ્યારે આખો સિંહ પરિવાર એકસાથે સહેલગાહ પર નીકળે ત્યારે તે દૃશ્ય અદભૂત બની જાય છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના એક ખેડૂતની વાડી વિસ્તારમાં 1 ઓગસ્ટના રોજ અંદાજે 7 સિંહોના પરિવારની ભવ્ય દસ્તક જોવા મળી હતી. વાડીમાં શાંતિથી પસાર થઈ રહેલા આ સિંહ પરિવારની હિલચાલ વાડીમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલા CCTV કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ હતી.
સિંહ પરિવાર સહેલગાહ પર
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે 7 સિંહોના આ પરિવારમાં મોટી સિંઘણ, નર સિંહ અને તેમની સાથે નાના સિંહબાળ પણ સામેલ છે. નાના સિંહબાળો માતાની પાછળ મસ્તી કરતા કરતા અને એકબીજા સાથે રમત રમતા આગળ વધી રહ્યા છે. ગીરના ડાલામથ્થા સિંહો વાડીના રસ્તેથી કોઈ પણ ભય વગર અત્યંત કિંગ સાઇઝ અંદાજમાં લટાર મારી રહ્યા છે.
