ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં પૂરનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કીમ નદી બંને કાંઠે છલકાઈને ગાંડિતૂર બનતાં જ નદી કિનારે આવેલા નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. પૂરના પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે ઓલપાડ, સાહોલ અને કીમને જોડતો મહત્વનો સ્ટેટ હાઇવે માર્ગ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે. સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આ હાઇવે પરનો વાહનવ્યવહાર હજુ પણ બંધ રાખવામાં આવ્યો છે.
ઉમરાછી અને કિમામલી ગામો હજી પણ સંપર્કવિહોણા
આ ઉપરાંત પૂરના પાણી રસ્તાઓ પર ફરી વળવાને કારણે ઓલપાડ તાલુકાના ઉમરાછી અને કિમામલી ગામો હજી પણ સંપર્કવિહોણા બન્યાં છે, જ્યાં તંત્ર દ્વારા બોટ અને ખાસ ટીમો મારફતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.પૂરના કારણે સૌથી વધુ વિકટ પરિસ્થિતિ ઓલપાડના કદરામા ગામમાં સર્જાઈ છે. કદરામા ગામના લગભગ 90 જેટલા ઘરોમાં કીમ નદીના પૂરના પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમોએ કામગીરી શરૂ કરી હતી અને આશરે 200 જેટલા આફતગ્રસ્ત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને પહેલાં ગામની પ્રાથમિક શાળામાં અને ત્યારબાદ અન્ય સુરક્ષિત પાકાં ઘરોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
