સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદને પગલે નદી-નાળાં બે કાંઠે ભરાઈને વહેતાં થયાં છે. વરસાદી પાણીનો નિકાલ ન થતાં માંગરોળ અને ઓલપાડ તાલુકાના નીચાણવાળા ગ્રામીણ વિસ્તારોમાં પૂરની વિકટ સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં મોટું જાનમાલનું નુકસાન થયું છે અને ઘરવખરી પલળી જતાં સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં નુકસાન
સ્થિતિ એટલી ગંભીર બની હતી કે સતત પાણી ભરાયેલા રહેવાને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘરમાં ચૂલા પણ સળગી શક્યા ન હતા. ભૂખ અને તરસથી પીડાતા અસરગ્રસ્તો માટે પીવાનું શુદ્ધ પાણી મેળવવું પણ મુશ્કેલ બની ગયું હતું.માંગરોળ તાલુકાના રણકપુર, અસરમાં અને લીંબડા ગામમાં પૂરગ્રસ્તો માટે તાજું ભોજન તૈયાર કરાવીને પીરસવામાં આવ્યું હતું.
