રાજકોટ શહેરના ગીચ અને ધમધમતા ભક્તિનગર વિસ્તારમાં મોડી રાત્રે લોહિયાળ ડ્રામા સર્જાયો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગીતા મંદિર રોડ પર સ્થિત જલારામ ચોક નજીક અચાનક બોલાચાલી બાદ લોહિયાળ ખેલ ખેલાયો હતો. તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા ધર્મેન્દ્રસિંહ નામના શખ્સે ત્યાં ઊભેલા ઘનશ્યામ વાઘેલા પર કાળજાળ રીતે છરી વડે તૂટી પડીને શરીરના ભાગો પર પ્રાણઘાતક ઘા ઝીંકી દીધા હતા.
ભક્તિનગર વિસ્તારમાં મોડી રાત્રે લોહિયાળ ડ્રામા
છરીના ઘા વાગતાં જ ઘનશ્યામ વાઘેલા લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. રાત્રિના સમયે સરાજાહેર હુમલો થતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. સ્થાનિક લોકો એકઠા થઈ જતાં હુમલાખોર ધર્મેન્દ્રસિંહ તકનો લાભ ઉઠાવીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઘનશ્યામ વાઘેલાને લોહીલુહાણ હાલતમાં તુરંત જ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની ટીમે તેમને બચાવવા માટે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ શરીર પરથી વધુ પડતું લોહી વહી જવાના કારણે અને ઊંડા ઘાના પરિણામે ઘનશ્યામ વાઘેલાનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.
