રાજકોટ શહેરની આસપાસના રિંગરોડ પર અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. રાજકોટના નવા રિંગરોડ પર આવેલા કાળીપાટ ગામ નજીક આજે એક રક્તરંજીત અકસ્માતની ઘટના સામે આવી છે. નવા રિંગરોડ પરથી પસાર થઈ રહેલી એક સ્વિફ્ટ કાર અને ભારે ટ્રક વચ્ચે કાળજાળ ધડાકા સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

રિંગરોડ પર અકસ્માતોનો સિલસિલો

અકસ્માત એટલો પ્રચંડ હતો કે સ્વિફ્ટ કાર ટ્રકની અડફેટે આવતાં જ આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. ધડાકાનો અવાજ સાંભળીને કાળીપાટ ગામના સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો તુરંત જ મદદ માટે અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા.

કટર વડે કારનું પતરું કાપીને મૃતદેહ બહાર કાઢ્યો

અકસ્માતને પગલે સ્વિફ્ટ કારનો પતરાનો ભાગ ભયાનક રીતે ચગદાઈ જતાં કાર ચલાવી રહેલો 27 વર્ષીય યુવક જયદીપભાઈ વેકરિયા કારની અંદર જ ગંભીર રીતે ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને કટર અને સાધનો વડે કારનું પતરું ચીરીને જયદીપભાઈને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગંભીર શારીરિક ઇજાઓ અને વધુ પડતું લોહી વહી જવાના કારણે 27 વર્ષીય જયદીપભાઈ વેકરિયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પરિવારમાં શોકનું મોજું અને પોલીસ તપાસ

માત્ર 27 વર્ષની નાની વયે જયદીપભાઈ વેકરિયાનું અકાળે આકસ્મિક મોત નીપજતાં તેના પરિવારજનો પર અચાનક આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ આજી ડેમ સ્થાનિક પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ભોગ બનેલી કાર અને ટ્રકને રસ્તા પરથી બાજુ પર ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: રામોલ પોલીસે 600 CCTV ખંગાળી કુખ્યાત ચીખલીગર ગેંગના બે શાતિર તસ્કરોને દબોચી લીધા