અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરીને પ્રજામાં દહેશત ફેલાવનાર કુખ્યાત ચીખલીગર ગેંગ પર રામોલ પોલીસે કડક પ્રહાર કર્યો છે. તાજેતરમાં રામોલ, વટવા GIDC અને અમરાઈવાડી પોલીસ મથકની હદમાં બંધ મકાનોને નિશાન બનાવી કરોડોના મત્તાની ચોરી કરનાર ગેંગને ઝડપી પાડવા રામોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી.

કુખ્યાત ચીખલીગર ગેંગના સાગરીતો ઝડપાયા

પોલીસ ટીમે આસપાસના વિસ્તારો તેમજ શંકાસ્પદ ભાગવાના રૂટ પરના માત્ર 48 કલાક (બે દિવસ)માં 600થી વધુ CCTV કેમેરાના ફૂટેજનું બારીકાઈથી એનાલિસિસ કર્યું હતું. બાતમીદારો અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ચીખલીગર ગેંગના મુખ્ય બે સાગરીતો અજયસિંગ ઉર્ફે ઈલ્લો સરદાર અને અર્જુન રાહુલભાઈ બનજારાને ઘેરાવો ઘાલીને ઝડપી લીધા હતા.

ઘરફોડ ચોરીના ગુનાઓ કબૂલી લીધા

ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ અમદાવાદ શહેરના રામોલ, વટવા GIDC અને અમરાઈવાડી વિસ્તારમાં આચરેલી કુલ 8 અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓ કબૂલી લીધા છે. પોલીસે આરોપીઓની નિશાનદેહી પરથી 18 તોલા સોનાના દાગીના, રૂ. 2 લાખની રોકડ રકમ, ચોરીમાં વપરાયેલું હોન્ડા સાઈન બાઈક અને સીસીટીવી ડીવીઆર (DVR) મળી કુલ રૂ. 20,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: Kheda: લોકાર્પણ પહેલાં શેઢી નદીનો 5.50 કરોડનો હેરંજ બ્રિજ બેસી ગયો, બ્લેકલિસ્ટ એજન્સીનું પાપ છતું