ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સાયબર ક્રાઈમની બે અલગ-અલગ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. સાયબર ઠગોએ ક્રેડિટ કાર્ડ અને ઈન્સ્યોરન્સના નામે નકલી બેંક અધિકારી બનીને બે નાગરિકો પાસેથી રૂ. 2.75 લાખથી વધુની રકમ પડાવી લીધી છે. એક જ દિવસમાં સાયબર છેતરપિંડીના બે બનાવો પ્રકાશમાં આવતાં સમગ્ર વેરાવળ શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
APK ફાઈલ અને ફિશિંગ લિંકથી ક્રેડિટ કાર્ડની વિગતો તારવી
મોડસ ઓપરેન્ડી અંગે મળતી માહિતી અનુસાર, પ્રથમ કિસ્સામાં ઠગે બેંક અધિકારી તરીકે ઓળખ આપીને ક્રેડિટ કાર્ડની પ્રોસેસિંગ માટે એક APK ફાઈલ ડાઉનલોડ કરાવી હતી. આ ફાઈલ ઈન્સ્ટોલ થતાં જ ફરિયાદીના ખાતામાંથી રૂ. 1.80 લાખ સેરવી લેવાયા હતા. જ્યારે બીજા કિસ્સામાં ઈન્સ્યોરન્સ પોલિસી બંધ કરાવવાના બહાને ફિશિંગ લિંક મોકલીને ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી રૂ. 95,760નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી લેવામાં આવ્યું હતું.
